વચનામૃત ગઢડા મધ્યનું - ૫૬

           સંવત ૧૮૮૧ના અષાઢ સુદિ ૫ પંચમીને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદાખાચરના દરબારમાં ઉગમણે બાર ઓરડાની ઓસરીએ ઢોલિયા ઉપર ગાદી-તકિયા બિછાવીને વિરાજમાન હતા ને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યાં હતાં ને પોતાના મુખારવિંદની આગળ મુનિમંડળની સભા તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી, ને સાધુ દુકડ-સરોદા લેઈને કીર્તન બોલતા હતા.

       તે કીર્તનભક્તિ થઈ રહ્યા પછી શ્રીજીમહારાજ એમ બોલ્યા જે, (૧) આ કીર્તન સાંભળ્યામાંથી તો અમારો જીવ વિચારમાં જાતો રહ્યો, પછી તેમાં એમ જણાણું જે ભગવાનને વિષે જે અતિશે પ્રીતિ એ ઘણી મોટી વાત છે, પછી તો ગોપાળાનંદ સ્વામી આદિક જે ભગવાનને વિષે પ્રીતિવાળા હરિભક્ત તે સર્વે સાંભરી આવ્યા, અને એ સર્વેનાં અંતઃકરણ ને એ સર્વેના જીવ ને એમની જે ભગવાનને વિષે પ્રીતિ તે સર્વે જોયામાં આવ્યાં પછી અમે અમારા જીવને પણ તપાસીને જોયો, ત્યારે અમારે જેવી ભગવાનને વિષે પ્રીતિ જણાણી તેવી બીજાની પ્રીતિ જણાણી નહિ શા માટે જે કોઈક ભૂંડા દેશકાળાદિકનો જ્યારે યોગ થાય છે ત્યારે એ સર્વે મોટા છે, તોપણ કાંઈક એમની બુદ્ધિને વિષે ફેર પડી જાય છે ત્યારે એમ જણાય જે અંતે પાયો કાચો દેખાય છે, તે સારી પેઠે જો કોઈક ભૂંડા દેશકાળાદિકનો યોગ થાય તો ભગવાનમાં પ્રીતિ છે તેનું કાંઈ ઠેકાણું રહે નહીં. (૧) માટે એ સર્વેને જોતાં અમને અમારી કોરનું ઠીક ભાસે છે જે ગમે તેવા ભૂંડા દેશકાળાદિકનો યોગ થાય પણ કોઈ રીતે અમારું અંતઃકરણ ફરે નહિ, અને ભગવાનને વિષે પ્રીતિ તો તેની જ સાચી જે જેને ભગવાન વિના બીજા કોઈ પદાર્થને વિષે પ્રીતિ જ ન થાય, અને સર્વે સદ્‌ગ્રંથનું પણ એ જ રહસ્ય છે જે ભગવાન છે એ જ પરમ સુખદાયક છે, ને પરમ સાર વસ્તુ છે, ને તે પ્રભુ વિના જે જે બીજા પદાર્થ છે તે અતિશે તુચ્છ છે અને અતિ અસાર છે, અને જેને ભગવાન જેવી બીજા પદાર્થમાં પણ પ્રીતિ હોય તેનો ઘણો જ પાયો કાચો છે, જેમ કસુંબલ વસ્ત્ર હોય તે ઘણું સારું જણાતું હોય પણ જ્યારે તે ઉપર પાણી પડે ને પછી તેને તડકામાં સૂકવીએ ત્યારે સૂધું નકારું થઈ જાય, ને ધોળા વસ્ત્ર જેવું પણ ન રહે. તેમ જેને પંચવિષયમાં પ્રીતિ હોય તેને જ્યારે કુસંગનો યોગ થાય ત્યારે કાંઈ ઠેકાણું રહે નહીં. માટે જે ભગવાનનો ભક્ત હોય તેને તો ભગવાનને રાજી કર્યા સારુ પંચવિષયનો અતિશે ત્યાગ કર્યો જોઈએ, પણ ભગવાનને વિષે જે પ્રીતિ તેમાં વિઘ્ન કરે એવું કોઈ પદાર્થ વહાલું રાખવું નહીં. (૨) ઇતિ વચનામૃતમ્‌ ।।૫૬।। (૧૮૯)

          રહસ્યાર્થ પ્રદી- આમાં કૃપાવાક્ય (૧) છે. તેમાં શ્રીજીમહારાજે પ્રીતિને વખાણી છે અને અનાદિમુક્તરાજ શ્રી ગોપાળાનંદ સ્વામી આદિક સિદ્ધ મુક્તને મિષે કરીને સાધનિકને પ્રીતિમાં ભૂંડા દેશકાળાદિકે કરીને ફેર પડી જાય અને પોતાને મિષે કરીને પોતાના સિદ્ધ મુક્તોને પોતાના વિષે પ્રીતિ છે, તેમાં ભૂંડા દેશકાળાદિકને યોગે પણ ફેર પડતો નથી, એમ કહ્યું છે. (૧) અને અમે પરમ સુખદાયી છીએ ને અમારા વિના બીજા પદાર્થો અતિશે તુચ્છ ને અસાર છે, માટે અમારા ભક્તોએ પંચવિષયનો ત્યાગ કરવો. (૨) બાબતો છે.

૧      પ્ર. પહેલી બાબતમાં અમારો જીવ વિચારમાં જતો રહ્યો એમ કહ્યું તે જીવ તો માયાબદ્ધ છે, ને શ્રીજીમહારાજ તો સર્વ જીવ, ઈશ્વર, બ્રહ્મ, અક્ષર અને મુક્ત એ સર્વેથી પર સાક્ષાત્‌ પૂર્ણ પુરુષોત્તમનારાયણ છે, તેમણે પોતાને જીવ શબ્દે કરીને કેમ કહ્યા હશે ?

       ઉ. જિવાડે તે જીવ કહેવાય, માટે જીવ દેહને ચલાવે-હલાવે છે ને દેહનો પ્રકાશનારો છે એમ દેહને જિવાડે છે તેથી તેને જીવ કહેવાય છે, તે (લો. ૧૭ના ૩/૫ ત્રીજા પ્રશ્નમાં) અંતઃકરણ-ઇન્દ્રિયોનો પ્રકાશક ને જેણે કરીને દેહ ચાલે-હાલે છે એમ કહ્યું છે, માટે તે જીવ કહેવાય છે. તેમ જ મૂળપુરુષ, બ્રહ્મ, અક્ષર તે પણ પોતપોતાના કાર્યમાં પ્રવેશ કરીને તેને સચેતન કરે છે, ને હલાવે-ચલાવે છે; ને પ્રકાશ કરે છે ને ધારણ કરે છે, માટે તેમની પણ જીવ સંજ્ઞા કહેવાય, તે (લો. ૭ના ૨/૪ બીજા પ્રશ્નમાં)

अपरेयमितस्त्वन्यां प्रकृतिं विद्धि मे पराम् । जीवभूतां महाबाहो ययेदं धार्यते जगत् ।।

‘જીવભૂતાં’ કહેતાં અક્ષરરૂપી ચૈતન્ય પ્રકૃતિ જે અક્ષર જેણે કરીને આ જગત ધારણ કરાય છે ત્યાં અક્ષરને જીવ શબ્દેથી કહેલ છે. અને જીવકોટિ, માયાકોટિ, ઈશ્વરકોટિ, બ્રહ્મકોટિ, મૂળઅક્ષરકોટિ ને મુક્તકોટિ એ સર્વના પ્રકાશક ને ધારણ કરનારા ને સચતેન કરનારા શ્રીજીમહારાજ છે, માટે સર્વને જિવાડનારા શ્રીજીમહારાજ પોતે જ છે, તેથી અમારો જીવ એમ પોતાને જીવ શબ્દેથી કહ્યા છે.

       પ્ર. પહેલી બાબતમાં ગોપાળાનંદ સ્વામીની પ્રીતિ કરતાં શ્રીજીમહારાજે પોતાની પ્રીતિને વખાણી તે શ્રીજીમહારાજ તો પોતે ભગવાન છે, તેમને કોની સાથે પ્રીતિ કરવાની હશે તે પોતાની પ્રીતિ વખાણી હશે ?

       . શ્રીજીમહારાજ તો પોતે સાક્ષાત્‌ ભગવાન પુરુષોત્તમનારાયણ છે, પણ પોતાને મિષે કરીને પોતાના સિદ્ધ મુક્તની પ્રીતિને અધિક કહી છે, અને અનાદિ મુક્તરાજ શ્રી ગોપાળાનંદ સ્વામીને મિષે કરીને પોતાના સાધનદશાવાળા ભક્તોની પ્રીતિ કહી છે, પણ ગોપાળાનંદ સ્વામીને પ્રીતિ ઓછી છે એમ કહ્યું નથી; ગોપાળાનંદ સ્વામીને તો (છે. ૨૧/૬માં) ધામમાં સન્મુખ રહેલા પરમ એકાંતિકમુક્તોથી અધિક એટલે મૂર્તિમાં રહેલા અનાદિમુક્ત કહ્યા છે, અને જો ગોપાળાનંદ સ્વામીને સાધનિક કહ્યા હોય તો શ્રીજીમહારાજે અમારે ભગવાનને વિષે પ્રીતિ છે એમ કહ્યું છે, ત્યારે તો શ્રીજીમહારાજ પણ મુક્ત ઠર્યા, ને ભગવાન કોઈક બીજા ઠર્યા માટે એમ નથી; એ તો શ્રીજીમહારાજે પોતાને મિષે કરીને સિદ્ધમુક્તની પ્રીતિ કહી છે, અને ગોપાળાનંદ સ્વામીને મિષે કરીને સાધનદશામાં ઉત્તમ ભક્તોની પ્રીતિ કહી છે. ।।૫૬।।